આખું વર્ષ એ જ રસ્તા પર નિકળતા હોય એકસરખું લાગતું હોય અને જ્યારે ઉનાળો કે વૈશાખ બેસે એટલે જે એ જ રસ્તાને અલગ કરનારો પ્રગટ થાય એ- ગુલમ્હોર. જાણે એક વર્ષ એ ઝાડનાં ડાળી-પાંદડા તપ કરતાં હોય અને એ વાર્ષિક તપ લાલચટ્ટક ફોરાં- ફોરાં ફૂલ બની એ ડાળી-પાંદડાના તપનું ફળ આપતાં હોય. ખાલી એમને જ નહીં, એ રસ્તેથી પસાર થનાર દરેકને.
ગુલમ્હોર - નામ, દેખાવ, સ્વાદ, વ્યાપ બધું જ ભર્યુ- ભર્યુ. સૌથી પહેલો જે ગુલમ્હોર યાદ આવે છે એ ત્રીજા ચોથા ધોરણમાં મોટી ફૈબાના પડોશનો.મોટી ફૈબાના ઘરે ઊનાળાના વેકેશનમાં, બપોરે એ ગુલમ્હોરની ભાઈબંધી થઈ.
મોટું બધું કાચું ફળિયું અને એમાં ફેલાયેલો ગુલમ્હોર.. ડાળીઓ મોટી અને મજબૂત . આખા ફળિયામાં ફેલાયેલો. બપોરે વડીલો સુઈ જાય એટલે અમારી ટોળી ગુલમ્હોર પાસે પહોંચી જાય. ટેટાં ભેગા કરવા. હા, ગુલમ્હોર ના ટેટાંનો સ્વાદ, ફૂલનો સ્વાદ એકદમ ફોરો! બેન ને ઝાડ પર ચડવાનું ફાવે, એ ચડે ને હું નીચે ટેટા વિણું. ટોળીમાં expert opinion , background માં ચાલતા હોય.. અહિંયા પગ મૂક, ને આ ટેટા નો સ્વાદ સારો હશે, પેલું ઝૂમખું તોડી લે …
ગુલમ્હોર જાણે અમારી રાહ જોતો હોય એમ બપોરે ઢગલાબંધ ટેટાં અને ફૂલ પાથરીને બેઠો હોય, સ્હેજ નમેલો..જાણે અમને આવકારતો. . એકદમ ભાઈબંધ જેવો જ. આખું વેકેશન અમે એની ભાઈબંધી માં ફોરાં- ફોરાં, ભર્યા -ભર્યા થઈ જતાં.
આજેય ક્યાંય પણ ગુલમ્હોર જોઉંને તો જોતાં જોતાં સ્પર્શ, સુગંધ, બધું “ભાઈબંધ ગુલમ્હોર” નું feel થાય છે. પછી જોવામાં એ કોઈ પણ ગુલમ્હોર હોય.
અને ઊનાળાની રાહ જેટલી કેરી માટે જોતી હોઉં એટલી જ ગુલમ્હોરના પ્રગટ થવાની જોતી હોઉં છું.